Thursday, January 3, 2013

સફળતા







આપણે જ્યારે જન્મ લઈએ છે ત્યારે પ્રારબ્ધ લઈને જ જન્મ લઈએ છે . એમાં આ જીવનમાં સફળ થવું ન થવું નક્કી જ હોય છે .પણ એ નક્કી થયેલા પ્રારબ્ધ ને પણ સાકાર કરવા આપણે મહેનત કરાવી જ પડે છે .એ પણ આપણાં  કર્મને આધિન હોય છે .
                       આ દુનિયામાં લોકો લાદેન , દાઉદ અને ફૂલનદેવી ને પણ ઓળખે છે અને આ દુનીયાનાં લોકો મહાત્મા ગાંધીજી ,સંત શિરોમણી ડોંગરેજી મહારાજ અને મોરારી બાપુ ને પણ ઓળખે છે . આ બધાનાં કાર્ય થી એમની ઓળખાણ થઇ છે . નામ કેવું કમાવું એ આપણાં હાથમાં છે સફળતા સારા કાર્યમાં કે નરસા કાર્યમાં મેળવવી એ આપણે નક્કી કરવાનું છે .
                  સફળતા ત્યારે જ મળે છે જ્યારે આપણે લોકોને કંઈક આપીએ છે ને ત્યારે જ લોકો આપણને કંઈક આપે છે .કલાકાર પોતાની કલા, સંગીતકાર પોતાનું સંગીત . લેખક પોતાનું સારું લેખન અને પ્રવચનકર્તા  પોતાની વાણી જ્યારે આપે છે . ત્યારે લોકો તેને અનુભવે છે ને યોગ્ય હોય તો તેઓ સ્વીકારે છે .ને પછી જ આપણી સફળતા કે નિષ્ફળતા નક્કી થાય છે .આપણાં વિચારો ને આપણાં શબ્દો થી આપણને સફળતા મળે છે . સફળતા મેળવવાનાં સંજોગો ઉભા પણ કરીએ છે અને સફળતા , વેરવિખેર પણ આપણાં થાકી જ થાય છે .
        અહંકાર અને આત્મા એક જ શરીરમાં વસે છે .આપણે કોને પ્રાધાન્ય આપીએ છે એનાં પર આપણાં સફળતાનાં દિવસોની ગણતરી રહેલી હોય છે .

સફળતાં નામ ત્રણ પાયા છે

1) સફળતાં મેળવવાં માટેની કોશિશ 
2)બીજું સફળતાં મેળવવી 
3)સફળતાં નું નાશ પામાંવું


આ ત્રણમાં જ એક વ્યક્તિની જિંદગી વીતી જાય છે . 75% લોકો સફળતાં મેળવવાની કોશિશમાં જિંદગી વિતાવી નાંખે છે .પણ તકદીર સાથ નથી આપતી ,25% લોકોને સફળતાં મળે છે . આમાંથી 5% લોકો પાસે ટકી રહે છે અને 2% લોકો સફળતાં પછીની નિષ્ફળતા જોવે છે અને દુખી થઈને મૃત્યુ પામે છે 
                     સફળતાં મેળવવાની કોશિશ એ ઝુનુંન છે, સફળતાં મળી જવી એ નશો છે ને સફળતાં ચાલી જવા પછી નશા માં ડૂબી જવું અને જિંદગી પૂરી કરવી અથવા મળેલી સફળતાં નાં નશામાં ડૂબી જવું અને અહંકારમા ડૂબી જવું ને બીજા બધાને ગૌણ ગણવાં , એ બધા સફળતાં નાં જ એક પ્રકાર માં આવે છે .
                 સફળતાં હંમેશ નિષ્ફળતાનાં પાયામાં જ રહેલી હોય છે . જે વ્યક્તિ કાર્ય કરે છે એને નિષ્ફળતા પણ મળે છે . પણ પછી હિંમત હાર્યા વગર એ જ કાર્યને વધારે સરખી રીતે કરીને સફળતાં પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે . 
સફળતાં અને ડર સિક્કાની બે બાજુ છે . જે વ્યક્તિ ને સફળતાં મળે છે એ હંમેશ ડરેલો હોય છે કે હજારો આંખો મને અને મારા કાર્યને જોવે છે ને મારાથી જરા પણ ભૂલ ના થાવી જોઈએ . હું જે કાર્ય કરું એ સારું જ થવું જોઈએ , મારા વાણી વર્તનમાં હંમેશ વિવેક જળવાવો જોઈએ . અને તે સારું જીવન જીવવા માટે સજાગ થઇ જાય છે . એને ખબર છે કે હવે એનાં નામથી એનાં માતા પિતા,બાળકો અને પરિવારની ઓળખ અપાશે .જે લોકો આ યાદ રાખે છે એનાથી સફળતાં જરાય દૂર નથી થતી .
                           પણ કેટલાક લોકો એવા પણ હોય છે કે જે સફળતાં મળતા જ આખી દુનિયાને તુચ્છ ગણવા લાગે છે .તેઓ એ ભ્રમમાં જીવવા લાગે છે કે આખી દુનિયા એમનાં થાકી જ ચાલે છે . નાના હોય કે મોટા તે કોઈનું અપમાન કરતા અચકાતા નથી .પોતાની મરજી પ્રમાણે બધા કરે એવું જ તેઓ ઇચ્છે છે . અને જ્યારે નિષ્ફળતાં એમને ઘેરી વળે  છે ત્યારે તેમને જીવન ભારી પડી જાય છે . 
                હમણાનો  તાજો ઉદાહરણ લઈએ તો રાજેશખન્નાનું જીવન,  એમનાં બહુ બધા લેખ વાંચ્યાં ,ત્યારે એક વાર વાચ્યું કે સફળતાં જ્યારે એમનાં ચરણોમાં આળોટતી હતી ,લોકો એમનાં નામ પાછળ પાગલ હતા, એમનાં ફોટા સાથે છોકરી ઓ લગ્ન કરતી હતી ત્યારે એમને એક વિચાર આવ્યો કે જો આ સફળતાં ઓસરી ગઈ તો ? શું હું  સહન કરી શકીશ .અને તેઓ જુહુનાં દરિયા કિનારે આત્મહત્યા કરવા ગયાં , એમને એવો વિચાર કર્યો કે જ્યારે મારા સફળાતાના દિવસો ચાલે છે ત્યારે જ જો હું  મૃત્યુ પામું તો હું એક દંતકથા બની જઈશ . સફળ પામેલા વ્યકતીના મનમાં રહેલો નિષ્ફળતાનો  ડર આ વાતથી સાબિત થાય છે . તેઓ આત્મહત્યા કરવા ગયા , દરિયામાં બહુ અંદર સુધી ગયા પણ દરિયાનાં મોજાઓ એ એમને પાછા  કિનારા પર રાખી દીધા .તેથી તેમને મનનાં  ખુણામાં કદાચ અભિમાન આવી ગયું હશે કે કુદરત પણ મને બચાવવા માંગે છે , અને કુદરતની એ મહેરને તેઓ પચાવી ના શક્યાં , અને સફળતાના અહંકારમા તેઓ પોતાની રીતે જ જીવવા લાગ્યાં .ક્યાંય સમય પર ના પહોચવું એ એમની ખાસિયત હતી , અને આખરે સફળતા એ એમનો સાથ છોડી દીધો , ને પછી વર્ષો સુધી તેઓ એકલાતામાં જીવ્યાં . તેમનાં પોતાનાઓ તેમનાથી દુર ચાલ્યા ગયા , કોઈએ એમની દરકાર પણ ના લીધી કે એક સમયનાં  સુપરસટાર રાજેશખન્ના કેવી રીતે જીવે છે .
                સફળતા મેળવવા ઉત્તમ માં ઉત્તમ કાર્ય કરતુ રહેવું જોઈએ , જ્યારે હું 10 વર્ષની હતી ત્યારે શાળામાં મેં એક વેશભૂષા હરીફાઈ માં ભાગ લીધો હતો . મારી મમ્મી એ મને ખુબ તૈયાર કરી હતી , પણ મને ડર લાગતો હતો કે મને ઇનામ નહિ મળે તો ? ત્યારે મમ્મી એ એક વાક્ય કહ્યું હતું કે ઇનામ મળે કે ન મળે , તું એની ફિકર નાં કર બેટા , બસ હું ઇચ્છુ કે તું ત્યાં તારું 100% આપજે . મામ્મીનાં એ એક વાક્ય થી જિંદગી ભર માટે હાર કે  જીતનો ડર મનમાં થી નીકળી ગયો . અને નક્કી કરી લીધું કે જે કરવાનું તે 100% કરવાનું , બાકી હરીઈચ્છા ..
            સફળતાનો નશો ખૂબ જ ખરાબ હોય છે , જો મળે તો પણ વ્યક્તિ નશામાં ડુબે છે અને ન મળે તો પણ વ્યક્તિ નશામાં ડુબે છે .સફળતા પચાવવા માટે એક વિરલા વ્યક્તિ બનવું પડે છે। 
        સફળતા પચાવી જવામાં લગભગ ગૃહિણી ઓ જ પ્રથમાં નંબરે આવે , 

લીના ત્રિવેદી પોતાની એક પક્તિઓમાં લખે છે કે 

       " તણાતી ગઈ, તણાતી ગઈ , તણાતી ગઈ ને તુટતી ગઈ ,
એક ટુકડો પત્ની , બીજો ટુકડો ગૃહિણી , ત્રીજો માં 
અસંખ્ય ટુકડામાં વિભાજીત થઇ 
રેત બની ને રણમાં પથરાતી રહી "

                                                                                                નીતા કોટેચા "નિત્યા"

Saturday, December 29, 2012

સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ



           સંયુક્ત કુટુંબ  -  વિભક્ત  કુટુંબ




           સંયુક્ત કુટુંબ  કે વિભક્ત  કુટુંબ વિષે  વિચારીએ એનાં કરતા ફકત કુટુંબ વિષે  વિચારીએ તો કદાચ બીજા બધા વિચારો બંધ થઈ જાય. તો પણ ૨૧ મી સદીમાં સંયુક્ત કુટુંબની તરફેણ કરવી એ કદાચ પાગલખાને પહોંચાડે તેવી વાત છે. છતાં પણ સિક્કાની એ બીજી  બાજુ પણ જોશું. જો કે આજના જમાનામાં વિભક્ત  કુટુંબ પ્રચલિત  છે તેમાં બે મત નથી . આજે જ્યારે છોકરાવાળા ઓ છોકરી જોવા જાય છે ત્યારે દીકરીઓ નો પહેલો પ્રશ્ન છે કે સાથે રહેશું કે એકલા ? એ જ બહુ દુખની વાત છે.
          મોંઘવારીનાં જમાનામાં જ્યારે પતિ પત્ની બંને કામ કરતા હોય ત્યાં  બાળકો સંયુક્ત કુટુંબમાં સારા સંસ્કાર પામે છે . બાર સાંધતા તેર તુટે છે એવી હાલતમાં સંયુક્ત કુટુંબ આવકારદાયક છે.પણ આજની દીકરી કમાતી થઈ છે.  શિક્ષિત છે એટલે હવે એને સવાલ પૂછવાનો હક્ક મળી ગયો છે એવું નથી કે સ્વંતત્ર જિંદગી જીવવાનો હક્ક નથી પણ સંયુક્ત કુટુંબનાં ફાયદાનું કદાચ આજની પેઢીને જ્ઞાન જ નથી .જ્યારે કુટુંબો વિભક્ત થાય છે ત્યારે મન પણ જુદા થાય છે. મારું તારું અને  સ્વાર્થ જ ફુલેફાલે છે.
       સંયુક્ત કુટુંબમાં પ્રેમનું વ્રુક્ષ સિંચાય છે.ઘરનાં વડિલ  ધ્વારા જો લઈ શકીયે તો અનુભવનો રસથાળ સાંપડે છે. એકબીજા પ્રત્યે આદર અને 
સન્માન મળે છે. ઉદાર દિલની ભાવના કેળવાય છે. જતુ કરવાનો ગુણ વિકસે છે. વિકાસની હર રાહ ખુલે છે. જૂની અને નવી પેઢી વચ્ચેનું ઘર્ષણ યુક્ત વાતાવરણ ભુંસાઈ નવી સાંકળ ગુંથાય છે.વડિલો સમજદારીપૂર્વક  પોતાની સત્તાનો દોર હળવે હળવે યુવાનોને સોંપી સુખમય જિંદગી 
ગુજારી શકવા ભાગ્યશાળી બને છે.
          સંયુક્ત કુટુંબમાં બસ દરેક વ્યકતિની સ્વંતત્રતા જળવાય એ ખૂબ અગત્યનું પાસુ છે. પણ જો બે ત્રણ પેઢી સાથે રહેતી હોય તો બધાએ સમજવું જરૂરી છે કે પોતે જે પોતાનાં વડિલો સાથે વર્તન કરશે એ જ અનુકરણ એમનાં બાળકો એમની સાથે કરશે. કારણ સંસ્કાર હાથમાં દેવાની વસ્તુ  નથી. પણ એ તો જેવૂ જોવે એવું જ લોહીમાં આવી જાય છે.
  ઘણી  વખત જગ્યાને અભાવને કારણે અલગ થાવું પડે છે. બાળકો નાનપણથી નર્સરી માં જતા થઈ ગયા છે, આજની પેઢી મોંઘામાં મોઘી નર્સરીમાં દાખલ કરવામાં અને નવા નવા ક્લાસ ભરાવીને બાળકોને ઘરની બહાર રાખવામાં સારપ લાગે છે. પણ વડિલો પાસે એ બાળકોને રાખવા  માન્ય નથી  આજની પેઢીને એ નથી ખબર કે બંને નોકરી કરતા હોવાને કારણે તેમનાં બાળકોનું બાળપણ લાડકોડ અને પ્રેમને  બદલે ઘડિયાળ  નાં કટોરે દોડતું થઈ જાય છે.
        રવિવારે મેકડોનાલ્સમાં લઈ જઈ પોતાની માતા -પિતા હોવાની જવાબદારી પૂરી કરી એમ સમજે છે. પણ વડિલો પાસે બેસી સાથે એમની સાથે વાત કરવા માટે કે સપરિવાર ફરવા જવા માટે તેમની પાસે સમય પણ નથી એને તેમની ઇચ્છા પણ નથી. ઘરનું વાતાવરણ ખેલદિલીને બદલે હંમેશ ધુંધળુ જણાય છે. વિભક્ત કુટુંબ  માં ફાયદો એક જ છે કે પતિ પત્ની સઘળા કાર્યો પોતાની મરજી થી કરી શકે છે. તેમને કોઇની રોક ટોક નથી હોતી.
               આ સવાલ એક વડિલને પુછ્યુ કે " તમને શું લાગે છે શું સારુ સંયુક્તકુટુંબ કે વિભક્ત કુટુંબ?
તો એ વડિલે જવાબ આપ્યો. " હું તો એકલી રહું છું. મારાથી આજની પેઢી સાથે દોડાતુ નથી આ ઉંમરે એમનાં ટીફીન  ભરીને દેવાની અને એમનાં બાળકોને એક ક્લાસમાં થી બીજા કલાસમાં મુકવા જવાની તાકત મારામાં નથી . એમને જ્યારે મારી જરૂરત પડે ત્યારે હું છું એમની માટે. પણ રોજની દોડધામકરવાની અને બધું કર્યા પછી પણ એ સાંભળવાની તાકાત નથી કે " બા, તમને ખબર ના પડે.તો પછી હું પણ મારી જિંદગી શાંતીથી જીવું ને !
           એક ૨૫ વર્ષની દીકરીને પૂછ્યું કે તું શું વિચારે છે તને શું ગમે સાથે રહેવું કે એકલા રહેવું  તો તેનો જવાબ હતો " આંટી સાથે રહીયે છે કે અલગ..રહીયે એનાથી કંઇ ફરક નથી પડતો. બસ સ્વભાવમાં મેળ પડવા જોઇયે, નહિ તો 
સંયુકત કુટુંબ માં રહેવા વાળા પતિ પત્ની પણ sms માં ઝગડા કરે છે અને એકલા રહેવા વાળા પતિ પત્ની પડોશીઓ સાંભળે એમ ઝગડા કરે છે. " આજે દીકરા વહુ ને સંભાળીને રાખવાની જવાબદારી હવે માતા પિતા પર વધી ગઈ છે. કારણ પહેલા પણ દીકરાના બાળકોને વડીલો જ સાચવતા અને હોશે હોશે સાચવતા કારણ ત્યારે વહુ ઘરનું કામ કરતી અને સાસુ ખાટલે બેસીને બાળકો સંભાળતા પણ આજે માતા પિતા ઓ ને એ જ કામ આકરું લાગે છે કારણ વહુ સવારથી રાત સુધી બહાર કમાવા જાય છે. જરૂર પડે તો તેને પાર્ટી માં જવું પડે છે અને એ વાત આજની સાસુ સમજવા તૈયાર નથી , જ્યારે કે વહુ અને દીકરો કહે છે કે અમે રસોઈ કરવા વાલા બેન પણ રાખી દેશું પણ છતા  ઘરમાં જગડા થાય છે. તો વહુ અને દીકરા કંટાળીને અલગ રહેવાનું વિચારે છે અને એનો દોષ નો પોટલો જાય છે વહુ નાં માથે  . આજનાં  સાસુ ઓ ની જવાબદારી વધી ગઈ છે કે એમને બધું પ્રેમ થી સંભાળવું જ પડશે , નહિ તો આગળ જતા દીકરા વહુ થી અલગ થવાનું નક્કી હશે. સંપ હશે ત્યાં જંપ હશે।  આજની પેઢી ઘણું જતું કરવા તૈયાર છે. તેઓ પૈસે ટકે  બધું જ સંભાળવા તૈયાર છે પણ એમની સ્વતંત્રતા જુટ વાય એ એમનાથી સહન નહિ થાય  . કારણ આજની મોન્ગ્વારી ભરેલી જિંદગી માં  પૈસા વગર ચાલવાનું નથી એટલે નોકરી તો કરાવી જ પડશે।  તો તેમને પણ ઘરમાં શાંતિ અને સંપ જોઈએ છે. થોડું ઘણું જતું કરવાની ભાવના થી જ કુટુંબ સંયુક્ત થઇ શકશે  . અને બધી પેઢી માં હોવું જરૂરી છે  . બધાએ એક બીજાને સમજવા પડશે , સંભાળવા પડશે અને સહન પણ કરવા પડશે  , પણ સહન ત્યારે જજ થશે જ્યારે  એમાં થોડી લાગણી પણ ભરેલી હશે ,  80% એકબીજાને  એકબીજા માટે સંભાળ હશે તો બધા એક બીજાને  સહન પણ કરી લેશે  . 
દિવસે દિવસે જમાનો બદલાઈ રહ્યો છે અને બદલાયેલા જમાના સાથે જો વડીલો નહિ ચાલે તો એ કુટુંબ તૂટતા વાર નહિ લાગે  . કારણ વહુ ને લઇ ને આવીએ છે ત્યારે આપણને ખબર જ હોય છે કે એ જોબ કરશે જ અને એ ઘરનું કામ નથી જ કરી શકવાની। એવા કેટલાયે ઘર જોયા છે કે જ્યાં સાસુ સવારના વહુ માટે ટીફીન બનાવી ને તૈયાર રાખે અને રાતના વહુ ભૂલ્યા વગર સાસુ ની જરૂરીયાત ની બધી જ વસ્તુ ઓ લઇ આવે છે. આ જમાનો ગીવ એન્ડ ટેક નો છે  . જે આપશો એ મળશે।  તો કુટુંબ બચાવાનું પણ ઘરના લોકો નાં જ હાથ માં છે 

   છેલ્લે એ નિષ્કર્ષ મળ્યો કે જો થોડી સમજણથી  સંયુક્ત કુટુંબ ટકી રહે તો સાથે રહેવાથી સત્કર્મ થાય છે. વડિલો સાથે બેસવાથી સતસંગ થાય છે જેનાથી સદગુણ  પ્રાપ્ત થાય છે અને સદભાગી થવાય છે     જીવનમાં પોતે જ સદવર્તનથી જીવતા આવડી જાય છે, હંમેશ એક્બીજાનો સથવારો મળી રહે છે. કોઇપણ પરિસ્થિતિ સામે લડવાની શક્તિ મળી રહે છે. લક્ષ્મીજી સાથે સરસ્વતીજીનો નિવાસ પણ ઘરમાં રહે છે.  અને સપરિવાર શાંતિથી સાથે  રહેવાથી દુનિયા સવિસ્મય જોઇને સુખ અનુભવે છે..

નીતા કોટેચા "નિત્યા"

Monday, December 24, 2012

પ્રામાણિકતા - અપ્રામાણિકતા




પ્રમાણીકતાનું પ્રમાણ જીવનમાં જેટલું વધારે હોય જીવન એટલું સરળ રીતે જીવી શકાય. પ્રમાણીકતા આચાર, વિચાર બંને માં હોવી જોઇયે. આચાર માં દેખાડીએ પણ વિચારમાં ન હોય તો એ નો કોઈ મતલબ હોતો જ નથી , વિચારમાં હશે  તો તેની અસર લોકોનાં હ્રદય પર પડે છે.પ્રમાણીકતાથી જીવવા વાળા હંમેશા સ્વસ્થ રહે છે કારણ દગો કરવો હોય, ખોટુ કરવુ હોય તો તેના પ્રયાસ માટે મહેનત કરવી પડે છે.અને પાછું જો કરતા પકડાઇ જઇયે તો એનાથી બચવા શું કરશું એનો વિચાર કરવામાં પણ કેટ્લો સમય અને શક્તિ લગાવવી પડે છે. જ્યારે પ્રમાણીકતાથી શરીરની આંતરીક પ્રક્રિયાઓ પર કોઇ વિપરીત અસર નથી પડતી . પ્રમાણીકતાથી જીવતા વાળા વ્યક્તિ માથું ઉચું કરીને જીવી શકાશે , અજવાળામાં જીવી શકાશે  . જ્યારે અપ્રમાનીક્તા રાતના અંધારા માં થાય એના વિચારો પણ સુરજ ડુંબતાની  સાથે શુરુ થતા હોય છે  . જિંદગીમાં જીવવું કેટલું , સવાર  જોશું કે નહિ સાંજ જોશું કે નહિ તો દુર ની વાત છે આગલી ક્ષણ જોશું કે નહિ જ્યારે પ્રશ્ન નો જવાબ હોય ત્યાં શા  માટે ખોટું કરવાનું ? શું કામ કોઈના દિલ દુભવવાના  ? શું કામ પોતાના કહેવાતા લોકો સાથે ખોટું કરવાનું  . ભાઈ ભાઈ સાથે અપ્રમાણીક્તા કરીને બધું છીનવી લે છે  . પૈસો ઘણો મળી જશે પણ શું એને સુખ મળશે  ? શું એના આત્મા એને ડંખશે નહિ  . કદાચ જીવતા જીવ પણ ડંખે  . પણ જ્યારે માનવીનાં જીવનનો  છેવાડો આવે છે ત્યારે એને પોતાના કર્મ યાદ આવે છે ત્યારે મૃત્યુ પણ પામી નથી શકતો  . ભગવાન ને આપણે  જોયા નથી આપણે  મળ્યા નથી એટલે સજા આપશે વિષે મારે કઈ નથી કહેવું પણ હા આપણા  કરેલા કર્મ આપણને કોઈ દિવસ છોડશે નહિ।    બધો હિસાબ અહિયાં ચૂકતે કરીને જવાનું છે  , બધા સુઈ જાય પછી  આપણું  કરેલું ખોટું કર્મ આપણને એમ થાય છે કે ક્યા કોઈએ જોયું છે  પણ હે માનવ તારી આત્મા સાક્ષી રૂપે ત્યાં હાજર  છે , કે જે તને નહિ માફ કરે  અને આત્મા ની યાદ શક્તિ પણ ખુબ સારી છે બધી વાતો અંત કાલે યાદ કરાવીને રહેશે  
 પ્રમાણીકતાનું એક સ્વરૂપ છે જ્યારે અપ્રમાણિકતનાં અનેક સ્વરૂપ છે. કહેવાય છે કે મન બધા સંબંધોનો પારદર્શક અરીસો છે તેનાથી કોઇ વાત છુપાતી નથી. આપણા કરેલા કર્મ નું પ્રતિબિંબ આપણા મન પર પડતું હોય છે. અને જો આપણી છબી દુનિયા સમક્ષ સારી ઉભી કરવી હોય કે પછી પોતાના આત્મા ને દગો ન દેવો હોય  તો આપણું મન કોરી પાટી જેવું હોઇયે એમાં કપટનો કાદવ લાગેલો હશે તો કદાચ કાદવ સફળતાનાં નશા માં આપણને નહિં દેખાય પણ દુનિયા બહુ હોશિંયાર છે એને બધું તરત દેખાય જાય છે.
               સંબંધ એક એવો બંધ છે કે જે બે વ્યકતિઓને જોડે છે. અને જો એમાં પ્રમાણિકરતા હશે તો દુનિયા સમક્ષ સારી છાપ ઉભી કરે છે. એ સંબંધ સારી રીતે ટકી  રહેશે મા-દીકરા, બાપ-દીકરા, પતિ- પત્ની, બે મિત્રો બધા સંબંધ જો પ્રમાણિકતા પર ટકેલા હશે તો આપણને નુકશાન નથી પહોચાડતા  . કારણ કોઇને દગો કરવાથી આપણું મન આપણને સૌથી પહેલા ડંખે છે . આપણને ચેન પડતું નથી . રાતની નીંદર ચાલી જાય છે કારણ મન આપણને આપણાં એકાંતમાં આપણી ભૂલો બતાવે છે અને આપણને ત્યારે વધારે ડંખે છે
   ક્યાય પણ સત્સંગ ચાલતો હોય લોકો સ્થળ પર આંધળી દોટ મુકે છે , ભીડ ની ભીડ ભેગી  કરે છે એનાથી સત્સંગ માં જવા વાળા  અને પ્રવચન કરવા વાળા  બંને ને પોતાના નામ થવાની લાલચ હોય છે  .   પણ સત્સંગ માં જવા વાળો માણસ  શું ક્યાય કઈ ખોટું નહિ કરતો હોય  ? શક્ય નથી , પત્ની સાથે પણ દગો કરતો હશે , સાસુ વહુ ને કે વહુ સાસુ ને હેરાન કરતી હશે તો સત્સંગ માં થી મળ્યું શું  ?  કરવું જો   હતું કે જે તમને ગમતું હોય. તો સત્સંગ માં જવાનો મતલબ શું  ? તો લોકો કહે છે કે જેમ પેટ ને ખોરાક ની જરૂરત હોય એમ આપની આત્મા ને સત્સંગ ની જરૂરત હોય છે આત્મા નો ખોરાક હોય છે  . નાં બધું આડંબર છે કારણ માણસ   કરે છે કે જે એને ગમે છે એને ફાવે છે કદી  સામે વાળાનો વિચાર નથી કરતો  . પ્રમાણિકતા અને અપ્રમાણિકતા ને આપણે કેળવી શકીએ છે આપણે   એને કાબુ માં કે કાબુ બહાર જવા દઈ શકીએ છે. કોઈ બીજા વ્યક્તિ નાં હાથ માં છે નહિ કે જે તમારો સ્વભાવ બદલી શકે  . 
                વ્રુદ્ધ્ માતા પિતા સાથે બાળકો દગો કરે છે , પતિ- પત્ની એક બીજા સાથે દગો કરે છે . અને સાચી મિત્રતા જેવુ તો કાંઇ રહ્યુ નથી . બધા હવે સંબંધોને સાચવતા નથી પણ સંબંધો નો ઉપયોગ કરે છે . અપ્રમાણિકતા કરીને જે બાહ્ય સુખ મળે છે , ધન , નામના અને લોકોમાં સન્માન બધાને મીઠુ લાગે છે. પણ એક સમય એવો આવે છે કે પોતાની કરેલી ભુલો કારણે પોતે પોતા સાથે નજર મળાવી નથી શકતા અને ત્યારે જેની સાથે દગો કર્યો હોય એમની માફી માંગવી હોય તો પણ મોકો નથી મળતો. કારણ કદાચ  વ્યક્તિ આપણી દુનિયાથી એટલો દૂર ચાલ્યો જાય છે કે એને શોધવો મુશ્કેલ થાય છે અથવા તો કદાચ  મ્રુત્યુ પામ્યો હોય છે અને પછી રહી જાય છે ફક્ત અફસોસ ગ્લાની અને હ્રદયમાં કાંઇક ખોટુ  કર્યાની પીડા. પ્રમાણીકતા  પોતા સાથે કરવાની છે બીજા કોઈ સાથે નહિ. કારણ જે સ્વભાવ આપણો  હશે એમ જ આપણે  બીજા સાથે વર્તશું  એ પણ નક્કી છે 
        જે લોકો પ્રભુ છે એવી દ્રઢ માન્યતા સાથે જીવે છે એમને એટલું જ માનવું કે પરમેશ્વર ત્યાં વસે છે જ્યાં પ્રમાણિકતા વસે છે , પ્રમાણિકતાથી જીવશું તો પ્રભૂનાં પ્યારા બનીને રહેશું..અને જે પ્રભુ છે એ શંકા માં અથવા સવાલ માં જીવે છે એમણે  એટલું માનવું કે જેવા કર્મ એવા ફળ , પ્રમાણીક્તા થી કરેલા બધા કાર્ય નાં ફળ મીઠા જ મળશે એમાં કોઈ બે મત નથી  . કેટલું  જીવવું એ આપણા  હાથ માંબિલકુલ  નથી પણ કેવું જીવવું એ જરૂર આપણા  હાથ માં છે  , કારણ જિંદગી 25 વર્ષ થી કરીને 95 વર્ષ કે એનાથી થોડી  વધારે , એટલી જ છે. આ શરીર નાશવંત છે અને એનો નાશ થવાનો જ છે તો મૃત્યુ એવું થવું જોઈએ કે લોકોને આપણા  જવાનો અફસોસ થાય , કોઈને એમ ન થાય કે હાશ જગ્યા થઇ  . મૃત્યુ પછી આપના કરેલા સુકર્મ યાદ રહેવા જોઈએ,  ન તો કુકર્મ  . 
                                                                                           નીતા કોટેચા "નિત્યા"